એક સળવળ ભીતરે રમ્યા કરે…

હું પુરુષ છું,
હા હું પુરુષ છું,
ને એ વાતનો મને ગર્વ છે કદાચ અભિમાન અને દંભ પણ…
હોય જ ને…!!!
પુરુષ હોવું એ કાંઈ નાનીમાનાં ખેલ છે??? !!!
હું મારા હું પણાના કોચલામાં કૂટાઈ મરું,
ને તોય કોઈના અસ્તિત્વને ના સ્વીકારું..
કેમ કે હું પુરુષ છું…


જો કે એટલા માત્રથી મારી ઓળખાણ છતી થતી નથી..
કે એટલાથી તમે મને પામીય ન શકો…
તમારે મને પામવો હોય, માપવો હોય, જાણવો – પીછાણવો હોય તો જરા જુદી રીતે મને ઓળખો,
હા જુદી રીતે કેમ કે હું યોદ્ધો છું…


એક અઘરો મહત્ત્વાકાંક્ષી યોદ્ધો…
યોદ્ધો પણ કેવો…હું ઝંખુ છું વિજય…
કેવળને કેવળ વિજય…
મારી ઝંખના ઝંકારતા ઝરણાં ઉપર વિજય..
જાણે એક ડુંગરનો નાનકડાં તણખલાં ઉપર વિજય…
વિજય મારા શ્વાસમાં નિઃશ્વાસમાં તબક્યા કરે છે…
વિજય શબ્દ સાંભળતાંજ મને ગજબનો છાક ચડે છે…
જાણે ઈન્દ્રના મંત્ર ભણેલો અર્જુનનો ઘોડો સો યોજન દોડવા હણહણે…
એમ મારામાં એ યોદ્ધો લડયા કરે, સળવળ્યા કરે…
બીજી ઝંખનાઓ ઘણી પણ છેવટે તો બસ ઝંખુ છું વિજય, અને એ યોદ્ધો નિરંકુશ થઈ લડયા કરે..

મારી અંદરનો માનવ હણાયા કરે…
આહ અને ઊંહકારા ભણાયા કરે...
શ્વાસ સાથે શ્વાસ અથડાયાં કરે…
દંભ બેસી હાડમાં હાંફયા કરે…
કાળજું ભીંસાય અને હાથ થરથર ધ્રૂજ્યા કરે..
સૂક્કાં હોઠ ભીંજાયા કરે…
તેજાબી વાયરા થીજ્યાં કરે…
નમેલી પાંપણો અંગાર વીંઝયા કરે…
એક ડાળખી નિર્દોષ માળો પીંખ્યા કરે…
આગ શમણાની શમ્યા કરે…
એક સળવળ ભીતરે રમ્યા કરે…
ભૂત મારા દંભનુ રોમે રોમે ભમ્યા કરે…


ને છેવટે, હું હારેલો યોદ્ધો, થાકેલો માણસ, તૂટેલો પુરુષ, સાવ ઓગળી જાઉં છું…
પછી મારા પુરુષપણાંને પોષવા સફેદ મખમલી રજાઈમાં લપેટાયેલો સંવેદનાનો સુંવાળો ઢગલો મને પંપાળી, બોલાવી, સમજાવી, સમાવી લે પોતાની અંદર અને શમાવી દે મારા સઘળા ઉત્પાત…!!!
ઉત્પાત શમ્યા પછી હું શાંત થાઉં…
ને અંતરની અનુભૂતિના આનંદમાં ખોવાઈ જાઉં…🤩😇🤗

Leave a comment